તાલાલા - તાલાલા પંથકમાં ગીર વિસ્તારના રસુલપરા અને જાવંત્રીગીર ગામની ઝુંટવી લેવાયેલી એસ.ટી. બસની સેવા પુનઃ શરૃ કરવા માંગણી કરાઈ છે. ગીર પંથકમાં સુવિધાઓ આપવાને બદલે છીનવી લેવાની સરકારની હીન રાજનીતિ સામે ગ્રામસભામાં જબરો રોષ ઉઠયો હતો.
તાલાલા તાલુકાનું ગીરના જંગલ વચ્ચે આવેલ રસુલપરા ગીર ગામની બંધ કરેલ એસ.ટી. બસ સેવા તુરંત શરૃ કરવા ગામના સરપંચના અધ્યક્ષસ્થાને મળેલ ગામસભામાં ઉપસ્થિત ગામજનોએ માંગણી કરી હતી. રસુલપરા તથા શિરવાણ ગીર ગામમાં અસંખ્ય ગરીબ અને સાવ પછાત આદીવાસી પરીવારો રહે છે. એસ.ટી. બસ સેવા બંધ થવાથી નાના અને ગરીબ પરિવારો કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા હોય આ અંગે વિના વિલંબે યોગ્ય કરવા ગામસભામાં મજબુત માંગણી કરવામાં આવી હતી.
સભામાં ઉપસ્થિત ગામના ૧૨૧ નાગરીકોએ ગામની પ્રજાને પીવાના પાણી માટેની પાણી પુરવઠાની પાઈપ લાઈન નાખવા તથા ગામના ગરીબ પરિવારોને સરકારની યોજનાનો મળવાપાત્ર લાભ મેળવી શકે માટે ગામની માન્યતા યાદીનો તુરંત સર્વે કરવા તથા ગામની પ્રજાની આરોગ્ય સુખાકારી સહીત સાત લોકપ્રશ્નો રજુ કર્યા હતા. ગામસભામાં ઉપસ્થિત લાયઝન અધિકારીએ આ અંગે યોગ્ય ભલામણ સાથે લાગતા વળગતા સતાવાળાઓ સમક્ષ મોકલી આપવા ખાત્રી આપી હતી.
બીજી તરફ તાલાલા પંથકના છેવાડાના વિસ્તારમાં આવેલ ગરીબ અને સાવ પછાત જાવંત્રીગીર ગામની મુસાફર જનતાને તાલાલા તાલુકા મથકે આવવા જવા માટે દિવસ દરમ્યાન અનેક એસ.ટી. બસો મળતી હતી. તે પૈકી મોટાભાગની એસ.ટી. બસો બંધ કરી દેતા જાવંત્રી ગીર તથા આજુબાજુના ગામોની ગરીબ અને પછાત લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હોય જાવંત્રી ગીર વિસ્તારની ઝુંટવી લીધેલ એસ.ટી. બસ સેવા પુનઃ શરૃ કરવા જાવંત્રી ગીર ગામે મળેલ ગ્રામસભામાં ગ્રામજનોએ સામુહીક માંગણી કરી હતી.
સરપંચના અધ્યક્ષ સ્થાને મળેલ ગ્રામસભામાં ઉપસ્થિત સરકારના પ્રતિનિધિ સમક્ષ ગામના નાગરીકોએ બામણાસા ગીરથી પ્રાંચી રોડ વાયા જાવંત્રી ગીર રસ્તો રીકારપેટ કરવા તથા જાવંત્રી ગીર ગામનું ગામતળ વધારવા સહીતના સાર્વજનીક પ્રશ્નો રજૂ કર્યા હતા.
Source:http://www.gujaratsamachar.com/20101201/gujarat/sau1.html
|
No comments:
Post a Comment