Saturday, December 25, 2010

ગિરનાર રોપ-વે યોજનાનો આખરી રિપોર્ટ અંતે તૈયાર.


જૂનાગઢ, તા.૨૩
પાંચ દાયકા કરતા વધુ સમયથી અદ્ધરતાલ એવા ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને આખરી મંજૂરીની પ્રક્રિયા અંતર્ગત સેન્ટ્રલ વાઈલ્ડ લાઈફ બોર્ડના સભ્યોએ જૂનાગઢની બે દિવસની મૂલાકાત લઈને ફાઈનલ રિપોર્ટ તૈયાર કર્યો છે. સેન્ટ્રલ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠકમાં આ રિપોર્ટ મૂકાશે. જેના પર રોપ વે ની મંજૂરીનો મદાર રહેશે.
  • ટૂંકમાં મળનારી બોર્ડ બેઠકમાં રિપોર્ટ મંજૂરી અર્થે મૂકવામાં આવશે
સોરઠ પંથકના પ્રજાજનો માટે અત્યંત મહત્વકાંક્ષી એવા ગિરનાર રોપ વે પ્રોજેક્ટને હવે માત્ર સેન્ટ્રલ વાઈલ્ડ લાઈફ બોર્ડની મંજૂરીમાંથી જ પસાર થવાનું છે. તાજેતરમાં જ સેન્ટ્રલ વાઈલ્ડ લાઈફ બોર્ડના બે સભ્યો દિવ્યભાનુસિંહ અને ડો.નિતા શાહે જૂનાગઢની બે દિવસની મૂલાકાત લીધી હતી. અત્યંત ખાનગી એવી આ મૂલાકાતમાં ગિરનાર રોપ વે માટેનો આખરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સુત્રોના કહેવા પ્રમાણે તેમની સાથે રાજ્યના વનવિભાગના પી.સી.સી.એફ. આર.વી.અસારી પણ હતાં. બે દિવસના સર્વાંગી સર્વે બાદ તૈયાર થયેલો આ રિપોર્ટ આગામી સમયમાં સેન્ટ્રલ વાઈલ્ડ લાઈફ બોર્ડની મળનારી બેઠકમાં રજૂ કરવામાં આવશે. આ રિપોર્ટના આધારે ગિરનાર રોપ વે પ્રોજેક્ટને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા.૧ મે, ર૦૦૭ ના રોજ મુખ્યમંત્રી મોદીએ રોપ વે પ્રોજેક્ટનું ખાતમૂર્હુત કર્યું હતું. તથા રોપ વે બનાવનાર ઉષા બ્રેકોને હાલમાં જરૂરી જમીન પણ આપી દેવામાં આવી છે. ત્યારે સમગ્ર યોજનાનો મદાર માત્ર હવે સેન્ટ્રલ વાઈલ્ડ લાઈફ બોર્ડની મંજૂરી પર મંડાયો છે.
પર્યાવરણ અંગે લોક સુનાવણી બાદ પી.સી.બી.એ કલેક્ટરને અહેવાલ સુપ્રત કર્યો
જૂનાગઢ : સેન્ટ્રલ વાઈલ્ડ લાઈફ બોર્ડના સભ્યોએ ગિરનાર રોપ વે માટે રિપોર્ટ તૈયાર કર્યો છે. તો બીજી તરફ રાજ્યના પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પણ રોપ વે વિશેનો એક અહેવાલ તૈયાર કરીને જિલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યો છે. આ વિશે જૂનાગઢના પી.સી.બી.ના અધિકારી સાધુએ જણાવ્યું છે કે, પર્યાવરણ માટે થયેલી લોકસુનાવણી તેમજ રોપ વે માટેનો હકિકત લક્ષી અહેવાલ તૈયાર કરીને આપવામાં આવ્યો છે. તેમજ આ રિપોર્ટ સંપૂર્ણપણે હકારાત્મક છે. રિપોર્ટમાં રોપ વે વિશેના તમામ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે.
ર૦ લાખ પ્રવાસી અને રૂ.૧૦૦ કરોડ આવક વધશે
જૂનાગઢ : જૂનાગઢના ભાજપના અગ્રણી પ્રદિપભાઈ ખિમાણીએ જણાવ્યું છે કે, જૂનાગઢમાં ગિરનાર રોપ વે બનવાથી શહેરની આવકમાં વર્ષે રૂ. ૧૦૦ કરોડનો વધારો થશે. તથા વર્ષે ર૦ લાખ જેટલા પ્રવાસીઓ વધશે.
ગિરનાર રોપ વે ની ઝલક...
* ૮૯ કરોડના ખર્ચે સમગ્ર યોજના સાકાર થશે
* લોઅર-અપર સ્ટેશન વચ્ચે ર૩૮ર મીટરનું અંતર
* દર કલાકે ૧૦૦૦ પેસેન્જરોનું વહન કરાશે
* ૯ મિનીટ ર૮ સેકન્ડમાં ટ્રોલી ઉપર પહોંચી જશે
* મોટી બસ જેવડી ૭૦ પેસેન્જરો બેસી શકે તેવી ટ્રોલી હશે
* ટ્રોલીની ઝડપ સેકન્ડે વધુમાં વધુ પાંચ મીટરની રહેશે
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=249153

1 comment:

Anonymous said...

does any one know, what is the local authorities planning to charge for each roap way trip ?