Sunday, November 16, 2008

એન્વાયર્મેન્ટ ક્લિયરન્સ સર્ટીફીકેટનાં વાંકે ગીરનાર રોપ-વે પ્રોજેક્ટ અટક્યો

જૂનાગઢ,તા.૧૫

જૂનાગઢ જિલ્લાભરના પ્રજાજનો માટે અત્યંત મહત્વકાંક્ષી એવો ગીરનાર રોપ-વે પ્રોજેક્ટ એન્વાયરમેન્ટ ક્લીયરન્સ સર્ટીના વાંકે ફરી એક વખત અટકી પડયો છે. આ યોજનાના ખાત મુહુર્તના દોઢ વર્ષ બાદ પણ કોઈ જ કામગીરી શરૃ નથી થઈ. અને હવે છેક એપ્રિલ-૦૯ થી પ્રોજેક્ટની કામગીરી શરૃ થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈછે. જો કે આ સર્ટી મેળવવા કંપનીએ કાર્યવાહિ શરૃ કરી દીધી છે.

* ખાતમુહૂર્ત થયાને દોઢ વર્ષ વીતી ગયું : કેન્દ્ર સરકાર પાસેથી લેવાનું થતું એન.ઓ.સી. છેક એપ્રિલ-૦૯ સુધીમાં આવવાની શક્યતા

છેલ્લા ત્રણ દાયકાથી જેના ગાણા ગવાઈ રહ્યા છે. એવા ગીરનાર રોપ વે પ્રોજેક્ટ માટે તમા કાર્યવાહિ બાદ ર૦ માર્ચ ર૦૦૭ ના રોજ ઉષા બ્રકોને રાજ્ય સરકાર દ્વારા લોઅર સ્ટેશન બનાવવા માટે ૪૦૦ મી જમીન સોંપી દેવામાં આવી છે. ૧ મે ર૦૦૭ ના રોજ ગુજરાત ગૌરવ દિનની ઉજવણી નિમિતે જૂનાગઢ આવેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રોપ-વે યોજનાનું ખાત મુહુર્ત પણ કરી નાખવામાં આવ્યુ. તથા રોપ-વે માટે તમામ ૭.ર હેક્ટર જમીન પ ફેબ્રુઆરી ર૦૦૮ ના રોજ સરકાર દ્વારા કંપનીને સોંપી દેવામાં આવી. ગીરનાર જંગલમાં રોપ-વે બનાવવા માટે લેવાનું થતુ એન્વાયરમેન્ટ ક્લીયરન્સ સર્ટી પણ કંપનીએ રાજ્ય સરકાર પાસેથી મેળવી લીધુ. ગાડી વ્યવસ્થિત રીતે પાટે ચડી દોડવા માંડી હતી. પ્રજાજનોનું સ્વપ્ન સાકાર થઈ રહ્યુ હતું. ત્યા જ ગીરનારને અભયારણ્યનો દરજ્જો મળતા રાજ્ય સરકાર પાસેથી લેવાનું થતું એન્વાયરમેન્ટ ક્લીયરન્સ સર્ટી કેન્દ્ર સરકાર પાસેથી લેવાની નવી વાત આવી. અને ફરી એક વખત ગીરનાર રોપવે યોજના અટકી પડી.

રોપ-વે યોજના સંદર્ભે ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૃએ ‘સંદેશ’ સાથેની વાતચિત દરમ્યાન જણાવ્યુ છે કે ગત મંગળવારે આ સંદર્ભે રાજ્યના પી.સી.સી.એફ. પ્રદિપ ખન્ના અને રોપ-વે કંપનીના અધિકારીઓ સાથે તેઓએ ગાંધીનગર ખાતે બેઠક યોજી હતી. અને ર૬ જાન્યુઆરી સુધીમાં કામગીરી શરૃ કરી દેવાની માંગણી કરી છે.

રાજ્ય સરકારના પ્રયાસો બાબતે તેઓએ જણાવ્યુ છે કે મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહુર્ત થયુ અને બધી જ જમીન સોંપી દેવાઈ તે બાબત જ દર્શાવે છે કે, રાજ્ય સરકારને આ યોજનામાં રસ છે. તેમજ જરૃર પડયે પ્રતિનિધિ મંડળને સાથે લઈ દિલ્હી ખાતે રજુઆત કરવા જવાની તૈયારી પણ તેઓએ દર્શાવી છે. ક્લીયરન્સ સર્ટી મળે એટલે બીજા જ દિવસથી કામ શરૃ કરી દેવાની તૈયારી દર્શાવતા ઉષા બ્રેકોના વેસ્ટર્ન રિજીયોનલ હેડ દિપક કપ્લીસે ‘સંદેશ’ સાથેની વાતચિતમાં જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર પાસેથી એન્વાયરમેન્ટ ક્લીયરન્સ સર્ટી મેળવવાની પ્રક્રિયા ૬૦ ટકા જેટલી પૂર્ણ થઈ ગઈ છે. ફેબ્રુઆરી ર૦૦૮ થી આ પ્રક્રિયા શરૃ થઈ ગઈ છે. અને કન્સલટન્ટે આપેલા શિડયુલ પ્રમાણે આ પ્રક્રિયા નોર્મલ રીતે ચાલે તો આગામી એપ્રીલ ર૦૦૯ સુધીમાં પૂર્ણ થાય.

બીજી તરફ ૧૪ સપ્ટેમ્બર, ર૦૦૬ ના રોજ દાખલ થયેલા નવા નિયમ અનુસાર એન્વાર્યમેન્ટ ક્લીયરન્સ સર્ટી વગર કામ શરૃ કરવાની વાત તો દુર રહી કંપની જમીનમાં પ્રવેશી શકે પણ નહિ. આમ ગીરનાર રોપ વે યોજના ફરી એક વખત અટકી પડી છે. હવે જૂનાગઢનાં આગેવાનો જેટલી વધુ સક્રિયતા દાખવે એટલી ઝડપે ફરી ગીરનાર પ્રોજેક્ટ શરૃ થઈ શકે છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=27143

No comments: