Source: Bhaskar News, Amreli | Last Updated 12:28 AM [IST](25/12/2010
- માની મમતાની કહેવત કદાચ જંગલના પ્રાણીને નહીં લાગુ પડતી હોય
- દોઢ માસના સિંહબાળને વનવિભાગે પકડી સક્કરબાગ ઝૂમાં મોકલી આપ્યું
જંગલમાં જીવનના નિયમો અતિ ઘાતકી છે. અહીં તાકતવરની બોલબાલા છે. જે પ્રાણી નબળુ પડે છે તેનો સાથ પોતાના પણ મૂકી દે છે. પછી તે જંગલનો રાજા ગણાતો સાવજ કેમ ન હોય.
ગીર જંગલની તુલશીશ્યામ રેન્જમાં દોઢેક માસના સિંહબાળને તેની માતાએ તરછોડી દીધું છે. કારણ કે તેના પગમાં ખોડ છે. આ બચ્ચું જીવતા રહેવા માટે જંગલના નિયમોને અનુસરી શકે તેમ નથી. જેથી તેની માએ તેને તરછોડી અન્ય બચ્ચા સાથે ચાલતી પકડી છે. સદ્નસીબે આ બચ્ચુ જંગલખાતાને હાથ લાગતા બચાવી લઇ સક્કરબાગ ઝૂમાં લઇ જવાયું છે.
તુલશીશ્યામ રેન્જમાં રબારિકા રાઉન્ડમાં દલડી ગામના એક કુંભાર ખેડૂતના ખેતરમાંથી આ તરછોડાયેલું સિંહબાળ મળી આવ્યું હતું. ગઇકાલે સવારે જ્યારે તેઓ વાડીએ પહોંચ્યા ત્યારે તેમણે આ સિંહબાળને નીહાળ્યું હતું. સૌપ્રથમ તો તેમણે એવું અનુમાન લગાવ્યું હતું કે સિંહણ તેના બચ્ચાની આજુબાજુમાં જ હશે. પરંતુ અહીં બચ્ચું એકલું જ હતું. તેની માતા આજુબાજુ ક્યાંય નજરે ન પડતાં કંઇક અજુગતું હોવાથી તેમને આશંકા જાગી હતી.
આ બારામાં તેમણે તુરંત વનતંત્રને જાણ કરતાં અધિકારીઓ સ્ટાફ સાથે અહીં દોડી ગયા હતા. સિંહબાળ આશરે દોઢેક માસનું હોવાનું જણાવ્યું હતું. વનખાતાના સ્ટાફે બચ્ચાનો કબજો સંભાળી દૂધ પીવડાવ્યું હતું. બીજી તરફ ગીરપૂર્વમાં વેટરનરી ડોક્ટરની જગ્યા ખાલી હોવાથી તેની મેડિકલ ચકાસણી થઇ શકી ન હતી. પરંતુ તપાસ દરમિયાન એવું જોવા મળ્યું હતું કે નર સિંહબાળના જમણા પગમાં ખોડ છે.
જેના કારણે તે લંગડાતું ચાલતું હતું. જંગલમાં આ બચ્ચાનું મોત સિવાય કોઇ જ ભવિષ્ય ન હતું કારણ કે સિંહણે તો વિકલાંગ બચ્ચાને તરછોડી દીધું હતું. સદ્નસીબે બચ્ચું વનતંત્રના હાથમાં આવતા હવે તેને સક્કરબાગ ઝૂમાં મોકલી દેવાયું છે. જ્યાં બચ્ચાની સારવાર પણ શક્ય છે. હવે આ સિંહબાળની બાકીની જિંદગી ઝૂમાં જ પસાર થાય તેવી શક્યતા વધુ છે. આ બચ્ચાનું ભવિષ્ય પણ કદાચ કોઇ પ્રાણીના પેટ ભરવાથી વિશેષ ન હતું.
એટલે જ કદાચ સગી જનેતાએ તેને છોડી દીધું હતું. પરંતુ જંગલના કાયદા કરતા ઉપરવાળાનો કાયદો વધુ મજબૂત છે. ઉપરવાળાએ બચ્ચાના નસીબમાં જીવન લખ્યું છે.
સિંહણ સાથે હજુ પણ એક બચ્ચું છે આ વિસ્તારના સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ સિંહણે બે બચ્ચાને જન્મ આપ્યો હતો.
જે પૈકી માદા સિંહબાળ હાલમાં સિંહણની સાથે છે. જ્યારે નર સિંહબાળ વિકલાંગ હોય ઝૂમાં પહોંચી ગયું હતું. સિંહણ સાથે હાલમાં એક જ સિંહબાળ હોવાથી તેનો ઉછેર ખૂબ જ સરળતાથી થઇ શકશે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-jungles-murderous-rules-lioness-disregard-her-child-1686600.html
No comments:
Post a Comment